Saurashtra Rain: હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતમાં ગત સોમવારથી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં રાજ્યના છૂટાછવાયા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા નોંધાઈ રહ્યા છે, ત્યારે આજે પણ રાજ્યના 85 જેટલા તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.
વરસાદની ખાધ ધરાવતા સૌરાષ્ટ્ર પર મેઘાનું હેત વરસ્યું
ગુજરાતમાં ચોમાસાના આગમનથી અત્યારે વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યાં સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છનો ભાગ એવો રહ્યો છે, જ્યાં અપેક્ષા પ્રમાણે વરસાદ નથી પડ્યો. અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર ઝોનમાં 66 ટકાની આસપાસ વરસાદ પડ્યો છે. જો કે ભાદરવા મહિનાની શરૂઆત સાથે શરૂ થયેલા વરસાદના રાઉન્ડમાં સૌરાષ્ટ્ર ઝોનમાં ભારે વરસાદના સ્પેલ જોવા મળી રહ્યા છે.
જો આજની વાત કરીએ આજે સૌરાષ્ટ્રના 10 જિલ્લાના 42 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી સૌથી વધુ 105 મી.મી (4.13 ઈંચ) વરસાદ ભાવનગર જિલ્લાના મહુવામાં જ નોંધાયો છે. આ સિવાય ભાવનગરના અન્ય તાલુકામાં વરસાદના આંકડા જોઈએ તો, ગારિયાધારમાં 22 મી.મી., વલ્લભીપુરમાં 19 મી.મી., તળાજામાં 15 મી.મી., ઉમરાળા અને જેસરમાં 11 મી.મી. વરસાદ પડ્યો છે.
રાજકોટ જિલ્લાની વાત કરીએ તો, ગોંડલમાં 92 મી.મી (3.6 ઈંચ), જસદણમાં 40 મી.મી (1.5 ઈંચ), કોટડા સાંગણીમાં 30 મી.મી (1.1 ઈંચ), જેતપુરમાં 26 મી.મી (1.02 ઈંચ) વરસાદ, તો જૂનાગઢના માણાવદરમાં 71 મી.મી (2.8 ઈંચ), વંથલીમાં 48 મી.મી (1.8 ઈંચ), કેશોદમાં 46 મી.મી (1.8 ઈંચ) વરસાદ પડ્યો છે.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં 50 મી.મી (1.9 ઈંચ), તલાલામાં 30 મી.મી (1.18 ઈંચ), સુત્રાપાડા અને કોડિનારમાં 27 મી.મી (1.06 ઈંચ), અમરેલી જિલ્લાના કુકાવાવમાં 44 મી.મી (1.7 ઈંચ), જાફરાબાદમાં 35 મી.મી (1.3 ઈંચ), લાઠીમાં 27 મી.મી (1.06 ઈંચ) તેમજ દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 42 મી.મી (1.6 ઈંચ) વરસાદ નોંધાયો છે. આમ મેઘરાજાએ ચોમાસાએ વિદાય વેળાએ સૌરાષ્ટ્રની ધરતીને તૃપ્ત કરવાનું મન મનાવી લીધુ હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદના સ્પેલના કારણે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. બીજી તરફ વરસાદના અભાવે મુરઝાઈ રહેલા પાકોને નવજીવન મળતા ધરતીપુત્રોમાં પણ આનંદની લાગણી છવાઈ છે.
આજે 85 તાલુકામાં મેઘમહેર, 21 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ
આજે સવારે 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં રાજ્યના અલગ-અલગ 85 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં 21 તાલુકામાં 1 ઈંચથી વધુ, 5 તાલુકામાં 2 ઈંચથી વધુ તેમજ 2 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રને બાદ કરીએ તો, સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ સુરત શહેરમાં પડ્યો છે.
